રાજ્યમાં વરસાદી તાંડવથી સૌ કોઈ હતપ્રભ થઈ ગયા છે ત્યારે વરસાદની નુકસાનીને કારણે આખરે સરકાર કોઈ મદદ કરશે કે કેમ ? તેની પર સૌ કોઈની મીટ મંડાયેલી છે ત્યારે લોકો તથા ખેડૂતોની સમસ્યાને વાચા આપી અને કેવા પ્રકારની સરકારની તૈયારી છે તે જાણવા દિવ્યભાસ્કર દ્વારા કૃષિ મંત્રી રાઘવજી પટેલ સાથે વાતચીત કરવામાં આવી. આ વાતચીતમાં કૃષિ મંત્રીએ શું કહ્યું ?
👉મુખ્યમંત્રીએ કૃષિ મંત્રીને સર્વે રિપોર્ટ આવ્યા બાદ ચર્ચા કરવા જણાવ્યું
👉સર્વે કરી અને તાત્કાલિક અહેવાલ આપવા સૂચના અપાઈ છે : કૃષિ મંત્રી
કૃષિ મંત્રી રાઘવજી પટેલ સાથે વાતચીત (શબ્દશ:)
સવાલ - કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદીએ આપને પેકેજ જાહેર કરવા માટે પત્ર લખ્યો છે ? તો તે અન્વયે શું કાર્યવાહી કરી ?
જવાબ - પુર્ણેશ મોદી એ વિસ્તારમાં હતા ત્યારે મને ફોન કર્યો હતો એટલે તાત્કાલિક સૂચના આપી હતી. જોકે પાણી વધારે ભરાયા છે એટલે હાલ સર્વે શક્ય નહોતો. હવે પાણી ઊતરવાની શરૂઆત થઈ છે એટલે સર્વે રિપોર્ટ આવ્યા પછી મુખ્યમંત્રી સાથે ચર્ચા કરાશે. સરકારનું મન ખુલ્લું છે.
સવાલ - પેકેજ કેવા પ્રકારનું રહેશે ?
જવાબ - અતિવૃષ્ટિ અને પૂરને કારણે જ્યાં નુકસાની થાય તે બધાનું ભેગું જ પેકેજ જાહેર થાય. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ છે એટલે જનરલ એક જ પેકેજ જાહેર કરીને સહાય કરી શકાય, પરંતુ સર્વે રિપોર્ટ આવ્યા પછી જ થઈ શકશે. મુખ્યમંત્રી સાથે પણ આજે મારી વાતચીત થઈ છે. તેમણે કહ્યું છે કે અહેવાલ આવ્યા બાદ નક્કી કરી અને કાર્યવાહી કરીશું. અમારી પાસે પૂરતા અહેવાલ નથી આવ્યા. જનરલ નુકસાનીની હાલ વિગતો આવે છે
સવાલ - ઉત્તર ગુજરાતની સ્થિતિ ખરાબ છે. આ વિસ્તારના લોકોની મદદ માટે સરકાર શું વિચારી રહી છે ?
જવાબ - નુકસાનનો એટલે સવાલ જ નથી, કેમ કે જ્યાં વાવણી જ નથી થઈ, આ વરસાદને કારણે જ વાવણી થાય છે. ઊભો પાક છે અને નુકસાની થઈ એવા સમાચાર નથી, પરંતુ વાવેતર માટે તો પૂરતો વરસાદ છે. હા, એ હકીકત છે કે બીજા વિસ્તાર કરતાં ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ છે. વધુ વરસાદ દરિયાકાંઠાના વિસ્તારમાં, કચ્છમાં છે. સમગ્ર ગુજરાતમાં વાવણી લાયકથી લઈ અને અતિવૃષ્ટિ થઈ છે. બાગાયતી પાકોને નુકસાન થયું છે, પરંતુ નવા વાવેતરને નુકસાન થયું એમ હજુ સુધી નથી જાણવા મળ્યું, પરંતુ સર્વે પછી ખ્યાલ આવશે.
સવાલ - પેકેજની વિચારણા કરવા કેવા મેરિટ્સ ધ્યાને લેવાશે ? જામનગરની જેમ જ પેકેજ જાહેર કરાશે ?
જવાબ - પેકેજના નોર્મ્સ છે. એસડીઆરએફ , પિયત - બિન પિયત , મુખ્યમંત્રી સહાય યોજનાના નિયમો છે પણ સર્વે અહેવાલ આવ્યા પછી અધિકારીઓ સાથે બેસી ખેડૂતોને વધારે મદદરૂપ થવાય તેમ કાર્યવાહી કરીશું.
સવાલ - પાક નુક્સાની માટે એસડીઆરએફના નિયમો શું છે ?
જવાબ - કોઈ પણ ઊભા પાકમાં ૩૩ ટકા કરતાં વધારે નુકસાન હોય તો SDRFના નિયમ લાગુ પડે. સરકારને સહાય કરવી હોય તો ધોરણો બહાર જઈને પણ સહાય કરી શકે છે. વરસાદના આંકડા પરથી પણ થઈ શકે, કારણ કે મુખ્યમંત્રી પાક સહાય એ વરસાદના આંકડા આધારિત છે એટલે કે આટલા સમયમાં આટલો વરસાદ કે તેથી વધુ વરસાદ થાય તેના આધારે સહાય કરી શકાય. કઈ યોજના પર ખેડૂતોને મદદ કરવી તે સર્વેના અહેવાલ આવ્યા બાદ નક્કી થશે.
સવાલ- મુખ્યમંત્રી પાક વીમા યોજનાની વર્ષ 2019-20 અને 2020-21ની સહાય હજુ નથી ચૂકવાઈ, આ વાત સાચી છે ?
જવાબ - કોઈ આવા પ્રશ્નો નથી. તમારી જાણ માટે કે કોઈ પડતર પ્રશ્નો નથી. સરકારે વખતો વખત સહાય કરી જ છે. ગયા વર્ષે અતિવૃષ્ટિ , સતત વરસાદના કારણે પાક નુકસાની અને તાઉતે એમ ત્રણ પેકેજ જાહેર કર્યા હતા એટલે સરકાર તો આપે જ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો