👉મિત્રો ખેતી ને લાગતી દરેક અપડેટ મેળવવા માટે બાજુમાં આપેલા મેનુ પર ક્લિક કરી ફોલો કરી દયો.
ગુજરાત માટે આગામી 24 કલાક અતિ ભારે. જેથી હવામાન વિભાગની આગાહીના પગલે તંત્ર પણ એલર્ટ થઇ ગયું છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમો પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં.
- આગામી 24 કલાકમાં ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
- ગુજરાતમાં આજે 92 તાલુકાઓમાં વરસાદ મન મૂકીને વરસ્યો
- હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર પણ એલર્ટ થઇ ગયું છે. રાજ્યમાં આગામી 24 કલાકમાં કચ્છ, બનાસકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે. તો બીજી બાજુ પાટણ, સાબરકાંઠા, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. એ સિવાય રાજ્યમાં મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને ખેડામાં પણ સારા એવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં વરસાદ પડશે
ગુજરાતમાં આજે સવારના 6થી 12 વાગ્યા સુધીમાં 92 તાલુકાઓમાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. જેમાં સૌથી વધુ મહેસાણામાં 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. મેઘરાજાએ આજે અનેક વિસ્તારોમાં ધડબડાટી બોલાવતા ક્યાંક મકાનોના છાપરા ઉડી ગયા તો ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા છે તો ક્યાંક કોમ્પ્લેક્ષમાં પાણી ભરાઇ જતા વેપારીઓને હાલાકી પડી છે તો ક્યાંક બસ સ્ટેન્ડમાં પણ પાણી ભરાઇ જતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
એ સિવાય રાજ્યમાં રાધનપુરમાં 2.5 ઈંચ, સરસ્વતીમાં 2.5 ઈંચ, પાટણમાં સવા 2 ઈંચ, વિસનગરમાં સવા 2 ઈંચ, વડનગરમાં પોણા 2 ઈંચ, હારીજમાં 1.5 ઈંચ, વિજાપુરમાં 1.5 ઈંચ, પોશિનામાં 1.5 ઈંચ, સાંતલપુરમાં 1.5 ઈંચ, સંતરામપુરમાં 1.5 ઈંચ, મેઘરજમાં 1.5 ઈંચ, મોડાસામાં 1.5 ઈંચ, ઉંઝામાં 1.5 ઈંચ અને હિંમતનગરમાં 1.5 ઈંચ વરસાદ ખાબક્યો છે.
જુઓ ગુજરાતમાં વરસાદના કારણે ક્યાં કેવી સ્થિતિ?
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં વ્હાઇટ સિગ્નલ અપાયું છે. હાલ દાંતીવાડા ડેમમાં 73 ટકા જેટલું પાણી છે. હજુ પણ દાંતીવાડા ડેમ 27 ટકા ખાલી છે. અત્યારે ડેમની જળ સપાટી 593.55 ફૂટ પર પહોંચી છે. જો કે, આજ સાંજ સુધીમાં ડેમમાં વધારે પ્રમાણમાં પાણી આવી શકે તેવી શક્યતા.
સરદાર સરોવરમાંથી પાણી છોડાતા 5 ગામોને કરાયા એલર્ટ
ઉપરવાસમાંથી ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા કરનાળી, ચાંદોદ અને નાંદેરિયા સહિતના ગામોને એલર્ટ કરી દેવાયા છે. ચાંદોદ મહાલરાવ ઘાટના 81 પગથિયાં પાણીમાં ગરકાવ થઇ ગયા છે. તમને જણાવી દઇએ કે, છેલ્લા બે દિવસમાં 7 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું છે. તલાટી કમ મંત્રીઓને પણ ગામમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. એકાએક નદીમાં પાણીનું સ્તર વધતા નદી કિનારે રહેતા પરિવારોને સ્થળાંતર કરાશે.
પાટણ જિલ્લામાં વરસાદના કારણે નવું બસ સ્ટેશન પાણીમાં ગરકાવ
પાટણ જિલ્લામાં વરસાદે ધડબડાટી બોલાવતા પાટણના નવજીવન ચાર રસ્તા પાસે આવેલ સરદાર કોમ્પ્લેક્ષ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. સરદાર કોમ્પ્લેક્ષમાં આવેલ ATM તેમજ દુકાનોમાં પાણી ફરી વળતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા. હજુ પણ જિલ્લામાં વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે. આમ પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
મહિસાગરમાં ઉપરવાસમાં વરસાદથી કડાણા ડેમમાં પાણીની આવક
રાજસ્થાનમાં વરસાદને પગલે મહી બજાજ સાગર ડેમમાંથી પાણી છોડાયું. પાણી છોડાતા મહીસાગરના કડાણા ડેમમાં પણ પાણીની આવક વધી છે. ડેમનાં 10 ગેટ 6 ફૂટ સુધી ખોલીને મહી નદીમાં પાણી છોડાયું. નીચાણવાળા 128 ગામોને અલર્ટ કરવામાં આવ્યા.
નર્મદા ડેમના 23 ગેટ ખોલી 5 લાખ ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે
આ સીઝનમાં નર્મદા ડેમના બીજી વાર 23 ગેટ ખોલી 5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે કાંઠાના ગામોને સાબદા કરી દેવામાં આવ્યા છે. ભરૂચ ડભોઇ ચાંદોદ સહિતના કાંઠાના ગામોમાં જળસપાટી વધતા તંત્ર દ્વારા એલર્ટ કરી દેવાયા છે.
મહીસાગરના ભાદર ડેમમાંથી પાણી છોડાતા ભાદર ડેમ 96.15 ટકા ભરાયો
મહીસાગરના ભાદર ડેમમાંથી પાણી છોડાયું છે. બે ગેટ ખોલીને ભાદર નદીમાં પાણી છોડાતા ભાદર ડેમ 96.15 ટકા ભરાયો. રુલ લેવલ જાળવવા ડેમના 2 ગેટ 15 સેમી ખોલી નખાયા. 1020 ક્યુસેક પાણી ડેમમાંથી છોડવામાં આવ્યું. ડેમમાં 1020 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમનું હાલનું લેવલ 123.50 મીટર પર પહોંચ્યું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો